![]() |
Gudi Padva cultural festival in the state Maharastra |
ચૈત્ર માસનો શુક્લ પ્રતિપદા (પ્રથમ દિન), ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ, શાલિવાહન શક સંવત પંચાંગ અનુસાર નવવર્ષનો પ્રથમ દિવસ અને યુગાદિ (ઉગાદિ) તરીકે ઉજવાતો દિવસ એટલે ગુઢી પડવા.
ગુઢી નો અર્થ "વિજય પતાકા" થાય છે. સામાન્ય ભોળા લોકોની પૌરાણિક માન્યતા મુજબ આજના દિવસે શાલિવાહન નામના કુંભારના દીકરાએ માટીના સૈનિકોની સેના બનાવી અને તેમના પર પાણી છાંટી તેમાં પ્રાણ ફૂંક્યા અને આ સેનાની મદદથી શક શત્રુઓને હરાવી દીધા અને શાલિવાહન શક સંવત નો પ્રારંભ થયો. (જોકે જ્ઞાની ઈતિહાસકારોમાં શાલિવાહન ના ઇતિહાસ બાબતે ભિન્ન અભિપ્રાયો જોવા મળે છે. મારા મનની દુવિધા એ છે કે જો શાલિવાહને શકોને પરાસ્ત કર્યા હતા તો તેના નામ ઉપરથી શરૂ થતા સંવત ના નામમાં શક શબ્દનો પ્રયોગ મારી સમજ બહાર છે.)
એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન રામે વાનર રાજા બાલિના અત્યાચારી શાસનમાંથી દક્ષિણની પ્રજાને મુક્ત કરી હતી. બાલીની ભયાનકતાથી મુક્ત થઈને, લોકોએ દરેક ઘરમાં ઉજવણી કર્યા પછી ધજાઓ ફરકાવી. આમ, વિજય ના પ્રતીક તરીકે ઘરે ઘરે ગુઢી (ધજા)ની પૂજા કરીને ઉજવવામાં આવતો દિવસ એટલે ગુઢી પડવા.
![]() |
Gudi (Flag) of Gudi Padwa |
આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં, ઘરોના મુખ્યદ્વારે આંબાના પાન અને ગલગોટા ના ફૂલો થી બનેલા તોરણ શણગારવામાં આવે છે. આ તહેવાર આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં 'ઉગાદી' અને મહારાષ્ટ્રમાં 'ગુઢી પડવા' તરીકે ઉજવવામાં આવે છે. 'યુગાદિ' શબ્દ 'યુગ' અને 'આદિ' શબ્દોના સંયોજન થી બન્યો છે. આ દિવસે ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થાય છે. ચૈત્ર ના મહિનામાં વૃક્ષો અને વેલાઓ ખીલે છે અને ફૂલ આવે છે. શુક્લ પ્રતિપાદ એ ચંદ્રમાની કલાનો પ્રથમ દિવસ છે અને સોમરસ ને વનસ્પતિ, વૃક્ષો અને કુદરતી જીવ સૃષ્ટિ નો રાજા માનવામાં આવે છે.
![]() |
Swastika - It symbolizes Harmony, Lord Ganesh has it on his right hand. Differs from other uses of swastika by the four dots inside each of the four arms. |
મહારાષ્ટ્રમાં ગુઢી પડવા ના દિવસે આખા વર્ષ દરમ્યાન સારા સ્વાસ્થ્યના પ્રતીક તરીકે ઘરના સદસ્યો સવારે લીમડાના પાનનું સેવન કરીને ઘરના મંદિરની સાફ સફાઈ કરી ઘરના દ્વારે આંબાનું તોરણ બાંધે છે અને પૂજા-વિધિ કાર્ય બાદ ગુઢી બનાવવાની પ્રક્રિયા કરે છે જેમાં એક વાંસની દાંડી ઉપર કંકુ અને હળદર થી ચાંદલા કરવામાં આવે છે અને તે દાંડી ઉપર નવી ચૂંદડી અથવા સાડીને દાંડીના ટોચના ભાગેથી ટાંગીને તેના ઉપર આંબાના પાંદડા, પતાશા અને ફૂલ માળા લટકાવીને તેને ઉપરના ભાગેથી રસ્સી દ્વારા બાંધી દેવામાં આવે છે અને પછી જે ધજા (ગુઢી) તૈયાર થાય છે તેના આખરી ચરણરૂપે તેની ઉપર તાંબા કે પિત્તળનો કળશ મૂકીને કળશ ઉપર સ્વસ્તિક બનાવવામાં આવે છે. ત્યાર બાદ આ ગુઢીને ઘરના પ્રાંગણમાં અથવા છત ઉપર બાંધીને તેની ફળ-ફૂલ થી પૂજા કરવામાં આવે છે.
આ પ્રસંગે આંધ્ર પ્રદેશમાં ઘરોમાં 'પચડી/પ્રસાદમ' વહેંચવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પૂરણ પૂરી (વેઢમી/મીઠી રોટલી), શ્રીખંડ પૂરી, ખીર પૂરી, બાસુંદી પૂરી, ગુલાબજાંબુ વગેરે પકવાનો બનાવવામાં આવે છે.
![]() |
Puran Poli / Bobbattu |
Happy Gudi Padwa -- Happy Chaitri Navratri
Comments
Post a Comment