બુધ્ધિમાન, શક્તિમાન, ભક્તિમાન - જય હનુમાન!

જય જય જય હનુમાન ગોસાઈ ।
કૃપા કરહો ગુરુ દેવ કી નાઈ ।।

બાળકોના પ્રિય, સૌના લાડીલા, પ્રજ્ઞાશક્તિ-યુક્ત ભક્તિ અને ભક્તિયુક્ત શક્તિ ના ધની એવા હનુમાન દાદાની જયંતિ ના દિવસે એમજ થાય કે માયુસ મનમાં આનંદ, ઉમંગ-ઉત્સાહ અને પ્રમોદની ધણધણાટી ઉદ્ભવે તેવી આ કવિતારૂપી હનુમાન ચાલીસાને ગણ-ગણાવીને તન અને મનને ધ્રીબાંગ ધ્રીબાંગ કરી નાખીએ.

હનુમાન દાદાનું નામ આવે એટલે ઘણા બધા શબ્દો મનમાં ઉદ્ભવે જેમકે વિશ્વાસ, દુલારા, ભક્તિમય સેવા અને ભક્તિયુક્ત શક્તિ.

વિશ્વાસ અને દુલારા શબ્દો એટલે ધ્યાનમાં આવે કે રામજીને હનુમાનજી પર પૂરેપૂરો વિશ્વાસ - પૂરેપૂરો ભરોસો અને એટલે તેમના દુલારા પણ ખરા. અને દુલારા કેવી રીતે? કારણકે "રામ કાજ કરીવે કો આતુર" અને શબ્દ જન્મે - ભક્તિમય સેવા. નાજુકમા નાજુક હોય કે કઠોરમાં કઠોર હોય, રામજીનું કોઈ પણ કાર્ય હોય એટલે રામજીનું નામ લઈને મારે ભૂસ્કો! અને રામજી પણ પોતાના દરેક મહત્વના કાર્યમાં હનુમાનજીને પ્રથમ યાદ કરે. કારણકે હનુમાનજી સ્વતંત્ર બુધ્ધિ ધરાવતા સેવક પણ ખરા અને ભક્તિયુક્ત શક્તિ ધરાવતા સૈનિક પણ ખરા.

જયારે સીતામાતા અશોક-વાટિકામાં હતા ત્યારે એક વૃક્ષની પાછળ છુપાઈને હનુમાનજી એ સૌ પ્રથમ ઈશ્વાકુ કુળ નું વર્ણન કરીને માનસિક ભૂમિકા તૈયાર કરી અને જયારે સીતામાતામાં વિશ્વાસનું નિર્માણ થયું પછી જ સીતામાતા સામે ઉપસ્થિત થઈ પોતાનો પરિચય આપ્યો. લંકા દહન કરી તેમણે લંકા આશ્રિત આસુરોના અહમને બાળીને રામજીની જીતને આસાન કરી. રાવણના મૃત્યુના સમાચાર સીતામાતાને આપવા પણ રામજીએ હનુમાનજી નેજ મોકલ્યા કારણકે અચાનક હર્ષના સમાચાર સાંભળીને સંભવતઃ હૃદય બંધ થઈ જાય! તેથી કોઈ જ્ઞાની અને બુદ્ધિશાળી ને મોક્લવા એજ ઉચિત હતું. અયોધ્યા પ્રવેશ કરતા પહેલાં પણ રામજીએ હનુમાનજીને પ્રથમ મોકલ્યા કે તેમના પરત ફરવાના સમાચારથી રાજા રતમાં કોઈ વિકાર તો નથી ને?

સેવક અને સૈનિક, ભકિત અને શક્તિ ના સમન્વય એવા રામજીના નંદી સમાન ચિરંજીવી શ્રી હનુમાનદાદા ના આશીર્વાદ આપણને સૌને મળતા રહે.

Top Photo via Good Free Photos

Comments

Post a Comment