એક જૂની રમૂજી વાર્તા



એક વાર એક ખેડૂત પોતાની વાડીમાં વસંતની બપોરે ઉના-ઉના વાયરા અને લીમડાના ટાઢા-ટાઢા છાંયડામાં ખાટલો ઢાળીને આરામ ફરમાવતો હતો. એવામાં એક પાટલૂન બુસ્કોટના લૂગડામાં ડાગલા જેવો દેખાતો એક વટેમાર્ગુ ત્યાં જઈ બેઠો અને સૂતેલા ખેડૂતને હલબલાવીને જગાડી દીધો.

વટેમાર્ગુ ખેડૂતને કહે: "કાકા પાણી પીવું છે, પી લઉં?"
ખેડૂત (માથું ખંજવાળતા-ખંજવાળતા): "અરે ભલા મોણાહ! ઈમા વળી પૂશવાનું હોય, લઈ લ્યો તમ-તમારે!"

વટેમાર્ગુ (થોડી વાર થાક ખાધા પછી): "કાકા શું આ ખેતર તમારું છે?"
ખેડૂત: "હોવે ભૈલા! મારુ છ! ચમ એમ પૂઇછું?"

વટેમાર્ગુ: "ના ના આતો ખેતરમાં કાંઈ વાવેલું નથી એટલે. કેમ કાકા કાંઈ વાવતાં નથી?"
ખેડૂ-કાકા રમૂજી હતાં. ખેડૂતે મનમાં મલકાઈને પૂછ્યું: "ચમ વળી! વાવીને શું કરીશું મઈ?"

વટેમાર્ગુ: "કેમ વળી, સારો પાક થાય તો કેટલા બધા પૈસા આવે!"
ખેડૂત: "પછી એ પઇશાનું શું કરવાનું?"

વટેમાર્ગુ: "પછી એ પૈસાથી બાજુની જમીન ખરીદી લેવાની એટલે તમારું ખેતર મોટું થઈ જાય."
ખેડૂત: "પછી?"

વટેમાર્ગુ: "પછી તમે વધારે પાક લણી શકો અને એમ કરવાથી વધારે પૈસા આવે."
ખેડૂત: "પછી?"

વટેમાર્ગુ: "અરે પછી શું કાકા! પછી બાજુની બીજી નાનકડી જમીન લઈને એના ઉપર બંગલો નો બાંધીએ?"
ખેડૂત: "પછી શું કરવાનું મઈ?"

વટેમાર્ગુ: "અરે કાકા પછી તમ તમારે હૈને બંગલામાં ખાટલો ઢાળીને આરામ કરજો નિરાંતે!"
ખેડૂત માથે હાથ મૂકીને: "અરે ભૈલા, તું આયો ત્યારે હું ખાટલો ઢાળીને આરામ જ કરતોતો, તે આઈને હલબલાઈ નાયખો"


માનવ સમાજનું કાઈંક આમ છે કે - "માણસ જલસાથી આરામ કરવા માંગે છે અને એના માટે તે મહેનત ખૂબ કરે છે." અને જો તેમ નહીં કરો તો આળસુમાં ખપી જશો. શું કરીએ આપણા બધાની અંદર કઈંક મોટર જ એવી ફિટ થયેલી છે કે :-

દુનિયામેં જીના હૈ તો કામ કરો પ્યારે!
સુબહ શામ રોજ઼ નયે ખેલ કરો પ્યારે!
વરના યે દુનિયા જીને નહીં દેગી મરને નહીં દેગી...


Top photo courtesy via:

Comments